BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Saturday, February 11, 2023

હેમંત પુણેકર || ૧૮ ડિસેમ્બર ૨૦૨૨.||

 હેમંત પુણેકર

૧૮ ડિસેમ્બર ૨૦૨૨.


સર્જક પરિચય આજના બર્થડે સર્જક હેમંત પુણેકર 

૧૮ ડિસેમ્બર ૨૦૨૨. એટલે કે આજે સાંજે ૪ઃ ૩૦ વાગે પંડિત દીનદયાલ ઉપાધ્યાય ડિટોરિયમ ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ , મસ યુનિવર્સિટી ફતેગંજ , વડોદરા ખાતે એક ગઝલસંગ્રહનું વિમોચન થવાનું છે . સાથે જ એક સરસ મજાનું કવિ સંમેલન પણ યોજાશે . એ ગઝલ સંગ્રહ છે " કાગળની નાવ " . ૭૫ ગઝલો અને ૧૨ મુક્તકોને સમાવતા આ સંગ્રહના કવિ છે હેમંત પૂણેકર . 

" એ તો દબડાવવા સમંદરને ફક્ત કાગળની નાવ રાખે છે " . 

કહેનાર આ સર્જક એટલે કે જેમની માતૃભાષા મરાઠી છે , અને ગુજરાતી ભાષા સાથે એટલા જ નિકટતમ છે કે એમની સાત પેઢીનું વાસ્તવ્ય વડોદરામાં જ રહ્યું છે.જેમનાં દાદી વડોદરાની નગર પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતાં અને પ્રિન્સિપાલના પદેથી નિવૃત્ત થયાં હતાં . એમને ઘણી કવિતાઓ મોઢે હતી એ સંસ્કાર વારસા સાથે જેમનું જીવનઘડતર થયેલું છે . આઈ.એન.ટી મુંબઈ દ્વારા અપાતો ' શયદા એવોર્ડ ' થી પુરસ્કૃત એવા આજના બર્થડે સર્જક હેમંત પૂણેકરની વિગતે વાત કરીએ એ પહેલાં તેમની પ્રાથમિક માહિતી જોઈ લઈએ . 

મહારાષ્ટ્રના જલગાવમાં ૧૮ ડિસેમ્બર ૧૯૭૮ ના રોજ જન્મેલ આ સર્જકના પિતાજી દેવેંદ્ર પુણેકર સિવિલ એન્જિનિયર , જેઓ ગુજરાત પાણીપુરવઠા ખાતાંમાંથી ૨૦૦૮ માં સેવાનિવૃત્ત થયા . તેમનાં માતાજી પ્રતિભા પુણેકર એક આદર્શ ગૃહિણી છે . 

સર્જકનો જન્મ મહારાષ્ટ્રમાં પણ શિક્ષણ વડોદરાનીશ્રી સયાજી હાઈસ્કૂલમાં થયેલું . તેમણે ૧૯૯૬-૨૦૦૦ ના સમયગાળામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી મિકેનિક્લ એંજિનિયરીંગમાં સ્નાતક અને ૨૦૦૧-૨૦૦૩ સુધીમાં આઈ.આઈ.ટી દિલ્લીમાંથી અનુસ્નાતકની પદવી મેળવીને ૨૦૦૩ માં ઍસિસ ઇંડિયા પ્રાઇવેટ લિ.નામક સૉફટવેર કંપનીમાં નોકરી મળી અને હાલમાં તેઓ તેમના પત્ની સોનાલી અનેદીકરા નચિકેત સાથે પુણેમાં સ્થાયી થયા છે . 

કવિ હેમંત પુણેકરની સાહિત્ય સફર કેવી છે ? ચાલો એ તરફ નજર કરીએ . તેમનાં દાદી , આપણે આગળ જોયું તેમ શિક્ષક અને સાહિત્યરસિક હતાં.પિતાજીને પણ સાહિત્ય , કલા , સંગીત વગેરે અનેક વિષયોમાં રસ હતો . 

તેઓ સાતમા - આઠમા ધોરણમાં હતા ત્યારે પિતાજીએ કલાપીની " એક ઘા " કવિતા કલાપીનાં જીવનમાં બનેલી ઘટનાઓના સંદર્ભ સાથે સમજાવી હતી . એ હિંદી સિનેમાના ગીતોના પણ શોખીન એટલે એમાંનું કાવ્યતત્ત્વ ઓળખતા પણ એમણે શિખવાડ્યું . ઘરનાં આવાં સાહિત્યપોષક વાતાવરણને કારણે કવિતા પ્રત્યે આકર્ષણ શાળાના સમયથી જ હતું જે કૉલેજકાળમાં વધુ ગાઢ થયું . પણ પછી પોસ્ટ ગ્રેજ્યુએશન નોકરી , લગ્ન વગેરેને કારણે કવિતા કોરાણે મૂકાઈ ગઈ . 

૨૦૦૬ માં ઈન્ટરનેટ પર વિકસતા બ્લૉગજગતના સંપર્કમાં આવતાં- એમાંય ખાસ તો કવિશ્રી વિવેક ટેલરની " શબ્દો છે શ્વાસ મારા " વેબસાઇટથી પ્રભાવિત થયા , કૉલેજકાળમાં લખેલી કાચીપાકી અછાંદસ અને ફક્ત રદીફ - કાફિયા સંભાળીને લખેલી ગઝલરચનાઓ પોસ્ટ કરવા માટે નવેંબર ૨૦૦૬ માં ' હેમકાવ્યો ' નામનો બ્લૉગ બનાવ્યો . બ્લૉગજગતમાં વિચરતાં " લયસ્તરો " , " ટહુકો " વગેરે જેવી વેબસાઈટ્સને કારણે ગુજરાતી કવિતા સાથેનો સંપર્ક વધ્યો અને સુષુપ્ત રહેલી સર્જનશીલતા સળવળી ઊઠી , આળસ મરડીને ઊભી થયેલી સર્જનશક્તિને ગતિ મળી મોહમ્મદઅલી ભૈડુ ' વફા'ના બ્લૉગ " બઝ્મ - વફા " થકી . એમાં ઝાર રાંદેરી લિખિત " શાયરી " દ્વારા ગઝલના છંદોનો પ્રાથમિક પરિચય થયો અને છંદોબદ્ધ રચનાઓ લખવાની શરૂઆત થઈ . એ પછી તો બ્લૉગજગતમાં અનેક મિત્રો અને માર્ગદર્શકો મળતાં ઘસાતાં ઘસાતો ગઝલકારનો સંપૂર્ણ પિંડ ઘડાયો . આ ઘડતર પ્રક્રિયામાં સાહિત્યકાર / સાહિત્યપ્રેમી બ્લૉગમિત્રોનો ખૂબ મોટો ફાળો રહ્યો . તેઓ પ્રામાણિકપણે સ્વીકારે છે કે એમના પ્રેમ , પ્રેરણા અને પ્રોત્સાહન વગર તેઓ ક્યારેય ગઝલકાર બની શયાન હોત . તેમણે ૨૦૧૪ માં વેબગુર્જરી નામક વેબસાઇટ માટે ગુજરાતી બ્લૉગજગતમાંથી નીવડેલી ૨૮ કવિતાઓનું ઈ - પુસ્તક " ગુજરાતી બ્લૉગજગતનાં કાવ્યપુષ્પો " સંપાદિત કર્યું . મૂળ મુંબઈના અને પછી ડલાસમાં સ્થાયી થયેલા બ્લૉગમિત્ર સ્વ . કવિશ્રી હિમાંશુ ભટ્ટે તેમની એક ગઝલ પર પ્રતિભાવતાં કહ્યું કે મારે કોઈ સારા પ્રસ્થાપિત કવિ પાસેથી કવિતા અંગે વધુ જ્ઞાન મેળવવું જોઈએ.એ સાથે કવિશ્રી રઈશ મનીઆરનો ઈ - મેલ આઇડી પણ મોકલી આપ્યો હતો . રઈશભાઈને ૨૦૦૭ માર્ચમાં ૫ હેલો ઈ - મેલ મોકલ્યો . અને એમણે બ્લૉગ જોઈને બહુ પ્રોત્સાહક રિપ્લાય આપ્યો . પછી એમનાં પુસ્તકો " ગઝલઃ રૂપ અને રંગ " અને " ગઝલનું છંદોવિધાન " નાં અનેકવાર વાચનથી ગઝલની સમજ કેળવાઈ .

એ પછીના કાળમાં સર્જાયેલી મોટાભાગની રચનાઓ પહેલાં રઈશભાઈને ઈ – મેલ પર મોકલતા અનેઊંડી પર ચર્ચાથી ઘણું શીખ્યા . ૨૦૦૮ સપ્ટેમ્બરમાં એમને સુરતમાં રૂબરૂ મળવાનું થયું . તેઓ તેમને સાહિત્યસંગમના એક મુશાયરામાં લઈ ગયા જ્યાં તેમણે પ્રથમવાર ગઝલપઠન કર્યું . તે ગઝલનો મતલો માણીએ . 

ઊપડતી જીભ અટકે છે , હૃદય પર ભાર લાગે છે , પ્રણયની વાત છે , કહેવામાં થોડી વાર લાગે છે . 

ઈ.સ .૨૦૧૦ માં કવિશ્રી વિવેક કાણે ' સહજ ' એ બ્લૉગમિત્ર સોનલ વૈદ્યના બ્લૉગ | " ફોર એસ વી - પ્રભાતના પુષ્પો " પર તેમની એક ગઝલ વાંચીને સંપર્ક કર્યો અને ખૂબ પ્રોત્સાહિત કર્યા.એ ગઝલનો એક શેર જોઈએ . 

પાગલ થવાનું પરવડ્યું હેમંત પ્રેમમાં , શાણા બધા લડે છે , જો ગીતા કુરાન પર . 

વિવેકભાઈ દ્વારા કવિશ્રી મકરંદ મુસળે ની ઓળખાણ થઈ , તેમની પાસે રહેલી ગઝલની આગવી દૃષ્ટિ અને સૂઝમાંથી મને ઘણું શીખવા મળ્યું.આ કવિઓ સાથે અને એમના પરિવારો સાથે પણ સ્નેહનો નાતો બંધાયો . 

ગઝલ પરત્વેની નિષ્ઠા અને ગંભીરતાપૂર્વકનું શ્રેષઠ સર્જનકાર્યની પુરસ્કારના સ્વરૂપ માં નોંધ લેવાઈ છે . ઈ.સ .૨૦૧૮ માં . આઇ.એન.ટી. મુંબઈ દ્વારા નવોદિત ગઝલકારોને અપાતો ' શયદા પુરસ્કાર ' તેમને પ્રાપ્ત થયો છે . ટૂંક સમયમાં જ તેમનો પ્રથમ ગઝલસંગ્રહ પ્રકાશિત થવાનો છે . 

તો કવિ શ્રી રઈશ મનીઆરની પ્રેરણાથી તેમણે મરાઠી ગઝલોના છંદોબદ્ધ ગુજરાતી અનુવાદનું કામ હાથમાં લીધું . પછી ગુજરાતી ગઝલોના છંદોબદ્ધ મરાઠી અનુવાદ કરવાની પણ શરૂઆત કરી . આવા વીસેક અનુવાદો પણ કર્યા છે . આ સંખ્યા ૪૦૫ ર પહોંચે એટલે એક દ્વિભાષિક પુસ્તક કરવાની ઈચ્છા છે . તેમણે ગુજરાતીમાં મરાઠી ગઝલ વિશે અને મરાઠીમાં ગુજરાતી ગઝલ વિશે લેખો લખ્યા છે જે સામાયિકોમાં પ્રગટ થયા છે . મરાઠીમાં ગઝલ પ્રસ્થાપિત થયાને હજુ ૫૦ વર્ષ પણ પૂર્ણ થયા નથી જ્યારે તેમની પાસે તોલગભગ ૧૪૦ વર્ષ જૂની સમૃદ્ધ ગુજરાતી ગઝલ પરંપરાનો સમૃદ્ધ વારસો છે આ વારસાને સંભાળતા આ સર્જક હવે મરાઠી ગઝલ માટે કશુંક કરી છૂટવાની ઉમદા ભાવના સાથે ગઝલો અને લેખો દ્વારા ગઝલના છંદશાસ્ત્રની સમજણ મરાઠી ગઝલકાર મિત્રો સાથે વહેંચવાની નેમ ધરાવે છે . 

કારણકે મરાઠી ગઝલ હજુય પારંપારિક છંદશાસ્ત્રના જડ નિયમોમાં જકડાયેલી છે . આ માટે તેમનાથી જે પણ સર્જનકાર્ય થકી પ્રદાન થાય એ માટે પ્રયત્નરત છે , કવિતા સાથે સાથે તેમને સંગીતમાંય રસ છે . છે . તેમના સંગીતપ્રેમને કારણે સંગીતના તાલ , ગઝલના છંદોની ઝીણવટભરી તેમની સમજણ વધુ સમૃદ્ધ થઈ છે . ૨૦૧૪ થી શાસ્ત્રીય ગાયન શીખે છે . અને અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ દ્વારા સંચાલિત શાસ્ત્રીય સંગીતની ચોથી પરીક્ષા " મધ્યમા પ્રથમ " પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયા છે .

આવો તેમની એક ગઝલ રચના માણીએ . 

પ્રણયભીની યાદો લહર થઈ ગઈ છે

અગન અન્ય સૌ બેઅસર થઈ ગઈ છે . 

વિરહનો તણાવ આ સમય પર પણ આવ્યો

કે એકેક પળ એક પ્રહર થઈ ગઈ છે . 

મિલન આપણું ક્યાં છૂપું રહી શકે છે

હવા પણ હવે ગુપ્તચર થઈ ગઈ છે . 

મને જોઈને ફૂલ જેવું હસો છો

તો મારીયે વૃત્તિ ભ્રમર થઈ ગઈ છે . 

કવન ક્યાં છે ? આ તો પ્રણયઊર્મિઓ છે

અનાયાસ જે માપસર થઈ ગઈ છે . 

કોઈ દાદ આપે ન આપે ગઝલને

તમે સ્મિત આપ્યું , કદર થઈ ગઈ છે . 

સર્જકનો સંપર્ક : હેમંત પૂણેકર મો . + ૯૧ ૯૯૨૧૨ ૮૩૪૮૫ 

( સંકલન  ' શિલ્પી ' બુરેઠા કચ્છ )


No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !